શકીલ કાદરીની ગઝલો

ઉર્દૂ અને ગુજરાતી ગઝલો

Category: ગુજરાતી ગઝલ

પડછાયાથી

પડછાયાથી પોતાના ડરી જાય છે ભઈલા
કેવો છે વગર મોતે મરી જાય છે ભઈલા

હદ થઈ ગઈ જેણે તને બરબાદ કર્યો છે
એની જ સભામાં તું ફરી જાય છે ભઈલા

ડરપોક છે ડરપોક છે ડરપોક નર્યો તું
ગરમીમાં બરફ જેમ ઠરી જાય છે ભઈલા

મળતી નથી સહેલાઈથી ગઝલોને યુવાની
માથાના બધા વાળ ખરી જાય છે ભઈલા

શાણાઓ બગીચામાંથી લઈ જાય છે ફૂલો
તૂ પાલવે શૂળો જ ભરી જાય છે ભઈલા

સંગતની કદર હોય તો આ જામ ભર્યો પી
રંગતનો સમય વહેલો સરી જાય છે ભઈલા

મિત્રોમાં જવું છે ને ‘અઝીઝ’ આજ ઘરેથી
સંતાડી બગલમાં તું છરી જાય છે ભઈલા

– અઝીઝ કાદરી

ઉકરડા સમી

છે ઉકરડા સમી એવી દુનિયાને છોડ.
તાર હૈયાના, ઈશ્વરના નામોથી જોડ.

સર્વ બ્રહ્માંડ સર્જકના એવા છે શે’ર
જેની સામે ઠરે તારાં શબ્દો લપોડ.

છે ફનામાં બકા જોઈ લેજો જરૂર,
નાશ પામે છે બી ત્યારે ઊગે છે છોડ.

હોય છે દોડ મુલ્લાની મસ્જિદ સુધી જ,
જ્યારે સૂફી વટાવે છે નૂરાની મોડ.

મારું દિલ છે સિંહાસન તો આવી બિરાજ,
શોધવા હું તને ક્યાં કરું ભાગદોડ.

ક્યાંક પિંખાય ના લાગણીનું કપોત,
એની બાંઘેલી પાંખોને હળવેથી છોડ.

થઈ ગયું તારા હૈયાનું દર્પણ ખરાબ,
કર્મ એળે જશે એને જલ્દીથી ફોડ.

સત્યની જોઈ લેજો થવાની છે જીત,
સાચ ને ઝૂઠમાં પાછી જામી છે હોડ.

શોધ સાચાં ફકીરોની પાસે ઇલાજ,
ગર્વનું તારા હૈયાને વળગ્યું છે ઝોડ.

થાક લાગે જો મનને તો આસન જમાવ,
खूंट ઈચ્છાની નાભીમાં હળવેથી ખોડ.

આવશે જ્યારે જીવનનો અંતિમ પડાવ,
ત્યાં જ થંભી જશે તારા શ્વાસોની દોડ.

તો જ કહેવાય સુંદર ગઝલનું શરીર,
હોય અંગોમાં જો ખૂબસૂરત મરોડ.

પ્રિય સાથે થવાનો છે આજે મિલાપ,
મોત સંદેશો લાવ્યું છે તાણી લે સોડ.

વારતા જિંદગીની છે કેવી અજીબ,
હોય છે આખરે મોત જેનો નિચોડ.

કયાંક સાચાં તગઝ્ઝુલ દર્શન થશે જ,
તેજ રૂપી ગઝલ સાથે સંબંધ જોડ.

આ ગઝલ સાંભળી ઘાયલે પણ કહ્યું,
છંદ સાથે નથી તેં કરી બાંધછોડ.

મારા કાતિલને ફિક્કો એ લાગે નહીં,
મારા ચહેરા ઉપર રક્ત મારું જ ચોડ.

સર્વ વસ્તુની જોડી છે એનું પ્રમાણ,
છે હકીકતમાં સૃષ્ટિનો સર્જક અજોડ.

અર્થ એનો જ રહેવાનો બાકી ‘શકીલ’,
આજ શબ્દોનો લાવી દો શબ્દોથી તોડ.

– શકીલ કાદરી

…. જીવ્યાં

સૂર, લય, તાલ, તાનમાં જીવ્યાં
ફક્ત રાગોના  ધ્યાનમાં   જીવ્યાં

શબ્દ યોગીના ધ્યાનમાં   જીવ્યાં
જ્ઞાનીઓના બયાનમાં     જીવ્યાં

ખૂબ  ચોળી    ભભૂતિ   શબ્દોની
તો  અમે   આનબાનમાં   જીવ્યાં

આદિ   શબ્દો  છે   ઈશના  જે  કૈં
વેદમાં     કે     કુરાનમાં   જીવ્યાં

આ ઝરણ પણ છે સૂર  ઈશ્વરના
જે   પહાડોના   કાનમાં    જીવ્યાં

હું   રહ્યો   દુશ્મનો    કે   મિત્રોમાં
ને  ત મે  દરમિયાનમાં   જીવ્યાં

એ છે હબસી, બિલાલના શબ્દો
સર્વદા  જે  અઝાનમાં,   જીવ્યાં

ધર્મને  એ  ‘શકીલ’  શું   જાણે ?
જેઓ  વિધિવિધાનમાં   જીવ્યાં.

-શકીલ કાદરી